પિછવાઈનો ઈતિહાસ
વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઈની સૌ પ્રથમ શરૂઆત શ્રીવલ્લભનંદન શ્રીગુંસાઈજી પ્રભુચરણ ના શ્રી હસ્તે થઇ હતી. પુષ્ટિમાર્ગ ના સંગીત અને સાહિત્યની સાથે પિછવાઈ કળાએ પણ સમસ્ત સમાજને પ્રભાવિત કરેલું છે. પિછવાઈ કલામાં રાજસ્થાનના 'શ્રીનાથદ્વારા'ને 'કમલવન' ની ઉપમા મળેલી છે. ઈતિહાસ બતાવે છે કે મોગલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસથી થાકી જઈને રાજ્યાશ્રય મેળવવાની આશાએ વ્રજની પિછવાઈ કલાના કલાકારો શ્રીનાથજીબાવા સાથે રાજસ્થાન આવેલા. પિછવાઈ કલાકારોને રાજસ્થાનમાં રાજ્યાશ્રય મળતાજ શ્રીજીબાવા અને શ્રીવલ્લભકુલના આશીર્વાદ સાથે પિછવાઈ કલા આસમાનમાં લહેરાવા લાગી. સુકી મારું ભૂમિ હોવા છતાં રાજસ્થાનમાં જીવનના ઘણા બધા રંગો સમાયેલા છે. રાજસ્થાનના પિછવાઈ કલાકારો પોતાની પિછવાઈમાં રંગોનું મિશ્રણ નથી કરતાં બલકે વિવિધ રંગોનો સમન્વય કરી જગતને બનાવનાર જગદીશ્વરને પિછવાઈમાં પ્રગટ કરે છે. વ્રજની લોકકલા પિછવાઈએ રાજસ્થાનમાં રાજ્યાશ્રય લીધા બાદ અનેક પ્રકારની શૈલીનો વિકાસ કર્યો તેમાં નાથદ્વારા શૈલી, મારવાડ શૈલી, બુંદી શૈલી, કોટા શૈલી, કિશન ગઢ શૈલી, મેવાડ શૈલી, અલવર શૈલી, જૈપુર શૈલી મુખ્ય છે. પિછવાઈ કલાના ચિત્રોના સર્જનમાં લાલ, પીળા, નીલા, લીલા જેવા રંગોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હલ્દી, સિંદૂર, ગેરૂ, પારિજાતના ફૂલો, વૃક્ષોનાં છાલ અને પાંદડાંઓ, કંદમુળોમાંથી બનાવેલા કુદરતી રંગો, સોના તથા ચાંદીનું પ્રવાહી, મોતી, હીરા, માણેક, નીલમ, પન્ના, મિનરલ પાણી, માટી અને રત્નો, જડતર, રેશમી દોરા, આ ઉપરાંત લાખ, કાજળ અને સફેદો જેવા પદાર્થો વગેરેનો ઉપયોગ નાના મોટા પ્રમાણ માં થાય છે. વ્રજ ઈતિહાસમાં જણાવ્યા પ્રમાણે આજથી ૪૦૦ કે ૫૦૦ વર્ષ પેહલા વૃક્ષોમાંથી બનતા કાગળ અને ભોજપત્ર વધુ પ્રમાણમાં ઉપલબ્ધ ન હોઈ સુતર તેમજ રેશમી કપડાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જેનો ઉપયોગ આજપર્યંત પરંપરાગત રીતે થાય છે. પિછવાઈ કલા, એ વૈષ્ણવ સંપ્રદાયની વિશિષ્ઠ અને આસ્થાપૂર્ણ ચિત્રશૈલી મનાય છે.
લેખિકાશ્રી :- પ.ભ. પૂર્વીબેન મોદી મલકાણ
« Back to Stories